૧. રામરક્ષા સ્તોત્રમાં સીતાશક્તિ
રામરક્ષા આ સ્તોત્રમંત્ર પરની પ્રવચન શ્રૃંખલાના ચોથા ભાગમાં સદગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ 'સીતાશક્તિઃ' આ લીટી વિશે વાત કરતાં કહે છે કે, રામરક્ષા સ્તોત્રની શક્તિ સીતા છે. શક્તિ એટલે માત્ર શારીરિક બળ, અણુશક્તિ કે ધનશક્તિ જેવી બાહ્ય અથવા દૃશ્યમાન વસ્તુઓ નથી, પરંતુ શક્તિ એટલે પ્રાણશક્તિ, જે બધી શક્તિઓનું મૂળ છે.
બાપુએ જુદા જુદા ઉદાહરણોથી સ્પષ્ટ કર્યું કે, પ્રાણ એક એવી શક્તિ છે જે દેખાતી નથી, પણ તેની જાણ તેના ભાવથી (એટલે કે અસ્તિત્વથી - Presence) અથવા અભાવથી (Absence) થાય છે. શરીરમાં પ્રાણ હોય ત્યારે શરીર ક્રિયાશીલ હોય છે, અને તે ગયા પછી શરીર નિશ્ચલ થઈ જાય છે, આના પરથી જ પ્રાણશક્તિનું અસ્તિત્વ સમજાય છે.
૨. પ્રાણશક્તિ અને તેનું કાર્ય
શરીરમાં થતી ક્રિયાઓ ઉદા. શ્વાસ, હૃદયસ્પંદન, મગજનું કાર્ય) આ કંઈ પોતે પ્રાણ નથી પરંતુ આ બધી ક્રિયાઓનું સંચાલન પ્રાણશક્તિ કરે છે.
આગળ બાપુએ અણુનું ઉદાહરણ આપીને સ્પષ્ટ કર્યું કે, અણુમાંના પ્રોટોન્સ અને ઈલેક્ટ્રોન્સ વચ્ચેનું અંતર જાળવી રાખનારી જે શક્તિ છે, તેને જ આપણે અણુશક્તિ કહીએ છીએ. જ્યારે આ ઈલેક્ટ્રોન્સની રચનામાં ફેરફાર થાય છે ત્યારે જ અણુમાં રહેલી આ શક્તિ બહાર આવે છે.
તેવી જ રીતે, પ્રાણશક્તિ પણ સમગ્ર વિશ્વની શક્તિઓનું મૂળ સ્વરૂપ છે, પરંતુ તે પરમેશ્વરના નિયમ અનુસાર કાર્ય કરે છે. તેથી તે વિખરાતી નથી, તે ચોક્કસ માર્ગે જાય છે.
પ્રાણશક્તિ એ સજીવતા પાછળની મૂળભૂત શક્તિ છે અને તે ત્રણ સ્વરૂપોમાં કાર્ય કરે છે.
(૧) તૃષા (ભૂખ/જરૂરિયાત)
(૨) ક્રિયા (કાર્ય),
(૩) તૃપ્તિ (સંતોષ).
દુનિયાની દરેક ક્રિયા આ ત્રણ તબક્કામાંથી પસાર થાય છે; જરૂરિયાત ઉત્પન્ન થાય છે → ક્રિયા થાય છે → સંતોષ મળે છે.
૩. તૃપ્તિનો અભાવ અને તેના પરિણામો
ઘણીવાર પ્રયત્નો થાય છે, ક્રિયા થાય છે, પણ તૃપ્તિ મળતી નથી. આ જ અતૃપ્તિ એ દુઃખનું મૂળ કારણ છે. બાપુએ જણાવ્યું કે, શ્રીરામ એટલે પુરુષાર્થ. પરિશ્રમ સુંદરતાથી કરવાની તાકાત એટલે પુરુષાર્થ. તૃપ્તિ મેળવવાની તાકાત એટલે પુરુષાર્થ, અને સીતા એટલે તૃપ્તિ. પરંતુ આપણા જીવનમાં સીતા (તૃપ્તિ) રાવણની (દુષ્ટ સંકલ્પનાની) કેદમાં હોય છે. તેથી પુરુષાર્થ હોવાછતાં તૃપ્તિ મળતી નથી.
તૃપ્તિ જ ખરી શક્તિ છે. તૃપ્તિમાંથી જ નવું સામર્થ્ય ઉત્પન્ન થાય છે; અતૃપ્તિ માણસની બધી શક્તિનો જ નાશ કરી નાખે છે. બીજાઓ સાથે સરખામણી કરવાથી પણ અતૃપ્તિ નિર્માણ થાય છે.
બાપુ જણાવે છે કે સદગુરુતત્ત્વ પાસે દરેકની લાઈન અલગ હોય છે. તેથી સરખામણી કરીને પોતાના સુખદુઃખ અથવા ધ્યેય નક્કી ન કરો. પોતાની તાકાત ઓળખીને તે પ્રમાણે જ કાર્ય કરો.
૪. સરખામણી એટલે ભય નિર્માણ કરનારી 'કૈકસી' અને ભય એટલે રાવણ
તૃપ્તિ એ જ પ્રાણશક્તિનું અંતિમ કાર્ય છે. મનુષ્ય ગમે તેટલો પ્રયત્નશીલ હોય પણ જો તે બીજાઓ સાથે સરખામણી કરતો રહે, તો તેને તૃપ્તિ મળતી નથી.
બાપુ જણાવે છે, સરખામણી એ જ ‘કૈકસી’ છે જે રાવણની માતા છે અને તેના ગર્ભમાં જ જન્મે છે રાવણ એટલે ભય. આ સરખામણી અને ભય આપણને પુરુષાર્થ (પરિશ્રમ) અને તૃપ્તિ (સંતોષ)થી દૂર રાખે છે.
ભય પણ સરખામણીમાંથી જ નિર્માણ થાય છે, જે આપણી ક્ષમતા હોવાછતાં આપણને લઘુતાગ્રંથિમાં મૂકે છે. તેથી મનુષ્ય પોતાનું કર્તવ્ય પણ યોગ્ય રીતે કરી શકતો નથી. જેમ કોઈને ગાવાનું આવડે છે, પણ સ્ટેજ પર ડરને કારણે ગાઈ જ શકતો નથી, તેમ આપણા જીવનમાં પણ ડરને કારણે આપણી તાકાત ઓછી થાય છે.
૫. ખરો મોક્ષ એટલે તૃપ્તિ
મોક્ષ એટલે કંઈક દુનિયાથી દૂર જવું નહીં, પરંતુ શરીર, મન, પ્રાણ આ બધા સ્તરો પર પૂર્ણ તૃપ્તિ એટલે જ ખરો મોક્ષ. સરખામણી ન કરતાં, પોતાની ક્ષમતા મુજબ કામ કરતાં રહેવું, મન:શાંતિ અને તૃપ્તિ મેળવવી એ જ ખરી શક્તિ છે, અને તે જ શ્રીરામરક્ષાની પ્રેરણા પણ છે.
બાપુ જણાવે છે કે, આપણે દુઃખી કેમ થઈએ છીએ? કારણ કે આપણે સતત બીજાઓ સાથે સરખામણી કરીએ છીએ. "તેની આવક વધારે છે", "તે મારા જેવો સ્થૂળ નથી", "તે ઝડપથી આગળ ગયો", આવી સરખામણી કરીને આપણે પોતાનો સંતોષ ગુમાવીએ છીએ. તેથી બીજાઓ સાથે સરખામણી ન કરો.
પોતાનું ધ્યેય હાંસલ કરવા માટે તાકાત મુજબ તબક્કાવાર ચાલો. જરૂર હોય તો વચ્ચે આરામ લો. મોટું ધ્યેય પહોંચવા સુધીના દરેક પગથિયાં પર આનંદિત રહો. કારણ કે તૃપ્તિ હશે તો જ આગળ જવાની તાકાત મળે છે. સીતા એ તૃપ્તિ છે અને તૃપ્તિને સરખામણી નથી. તે 'અતુલા' છે.
૬. તૃપ્તિ વિના કાર્ય સુસંગત થતું નથી
તૃપ્તિ એ જ પુરુષાર્થની ખરી પ્રેરણા છે અને તેના વિના કોઈપણ કાર્ય સુસંગત થતું નથી.
બાપુ એક સરળ ઉદાહરણ આપે છે, ધારો કે, કોઈ જગ્યાએ તમે કામ કરતાં હો અને મહિનાનો પગાર જ ન મળ્યો, તો આવતા મહિને કામ કરવાનો ઉત્સાહ રહેશે ખરો?
તેમ જ જીવનમાં પણ છે – કાર્ય (પુરુષાર્થ) કર્યું કે તેમાંથી તૃપ્તિ મળવી જોઈએ. પુરુષાર્થના દરેક તબક્કે તૃપ્તિ મળવી જોઈએ. નહીં તો આપણે થાકી જઈએ છીએ, નિરુત્સાહી થઈ જઈએ છીએ.
‘સીતા’ એ તૃપ્તિનું પ્રતીક છે. તેનો સંબંધ સેરેબ્રલ કોર્ટેક્સ (મગજનો ઉચ્ચતમ ભાગ) અને તેના પોષણ માટે જરૂરી ચોક્કસ શર્કરા (ગ્લુકોઝ) સાથે છે. આ જ શર્કરા ન મળી, તો મનુષ્યનો પુરુષાર્થ જ સમાપ્ત થઈ જાય છે. આપણું મગજ, આપણું મન, આ સંતોષ (તૃપ્તિ) ની શક્તિ પર જ ચાલે છે.
તૃપ્તિ ન મળી તો માણસ ખોટી અપેક્ષાઓમાં, સરખામણીમાં અટકી જાય છે, અને આવા સમયે ખોટી અથવા અધૂરી તૃપ્તિ નિર્માણ થાય છે – જે વિકૃતિ અને નિર્બળતા તરફ લઈ જાય છે.
૭. રામરક્ષા સ્તોત્રમંત્ર – તૃપ્તિ અને પુરુષાર્થને જગાડનાર
રામરક્ષા સ્તોત્રમંત્ર "મંત્ર" આ શબ્દના અર્થ સાથે જોડાયેલો છે. જેનું ચિંતન કરવાથી જે રક્ષણ કરે તે મંત્ર. મંત્ર એટલે જે મનોમય પણ છે અને પ્રાણમય પણ છે, તે મંત્ર છે.
જ્યાં મન અને પ્રાણ એકસાથે આવે છે, ત્યાં જ પુરુષાર્થ એટલે પ્રયત્ન અને સફળતા શક્ય થાય છે. રામરક્ષા એ સ્તોત્રમંત્ર છે – જે પુરુષાર્થ કરાવે છે અને તૃપ્તિ આપે છે.
બાપુએ તૃપ્તિમાંથી પુરુષાર્થ, પુરુષાર્થમાંથી તૃપ્તિનું સુંદર ઉદાહરણ આપતાં કહ્યું કે, વરસાદ પડવાથી જમીનમાં તૃપ્તિ નિર્માણ થાય છે, પછી તે બીજને ઉગાડે છે, ઝાડ તૈયાર કરે છે. તે ઝાડ તેને છાયા આપે છે, તાપમાન નિયંત્રણમાં રાખે છે અને બીજાઓને પણ ઉપયોગી થાય છે. ફક્ત પોતાના પૂરતી તૃપ્તિ એટલે અપૂર્ણતા; ખરી તૃપ્તિ એ બીજાઓના કલ્યાણ માટે કાર્ય કરનારી હોય છે.
સીતા એ તૃપ્તિની શક્તિ છે, તો રામ એટલે પુરુષાર્થ. તૃપ્તિને કારણે જ પુરુષાર્થ શક્ય થાય છે અને પુરુષાર્થને કારણે જ ખરી તૃપ્તિ પ્રાપ્ત થાય છે.
૮. રામરક્ષા – આળસ નષ્ટ કરનારી અને પ્રેરણા આપનારી
બાપુએ જણાવ્યું કે રામરક્ષા સ્તોત્રના પઠનથી આપણી તૃપ્તિ વધવા લાગે છે અને આ પુરુષાર્થ વધારનારી તૃપ્તિ છે. આ તૃપ્તિ આળસ દૂર કરે છે, પ્રેરણા આપે છે અને મનોબળ વધારે છે.
આ સ્તોત્રના પ્રભાવથી આપણી કાર્યક્ષમતા વધે છે અને રામ એટલે કે બધા પ્રકારના પુરુષાર્થોનો મૂળ સ્ત્રોત પ્રાપ્ત થાય છે.
જો કોઈ સાદોસીધો માણસ જેને અધ્યાત્મ પણ બરાબર સમજાતું નથી તે સાચા મનથી રામરક્ષા બોલવા લાગે, તો તેના મનની આળસ આપોઆપ નીકળી જાય છે. તેને કામ કરવાની પ્રેરણા મળે છે. ફક્ત
રામરક્ષા બોલતી વખતે, ભક્તિ કરતી વખતે સરખામણી કરવી ન જોઈએ. કારણ કે સરખામણી થઈ કે તૃપ્તિ ગઈ. તૃપ્તિ અને પુરુષાર્થ આ બંનેનો સંબંધ સતત પરસ્પર પૂરક છે, સીતા વિના રામ અને રામ વિના સીતા હોવું શક્ય નથી. રામરક્ષા સ્તોત્રમંત્રમાં આ જ ‘સીતા’ એટલે તૃપ્તિ કાર્યરત હોય છે, તો ‘રામ’ એટલે પુરુષાર્થ – ઊર્જા, ઓજ.
સદગુરુ અનિરુદ્ધ જણાવે છે કે આયુર્વેદ અનુસાર સીતા એ શાંત-સ્નિગ્ધતા એટલે કે તૃપ્તિ, તો રામ એટલે ઉષ્ણ-સ્નિગ્ધતા એટલે કે પુરુષાર્થ (એટલે કે ઊર્જા) ના પ્રતીક છે.
રામનામ એટલે ઓજ નિર્માણ કરનારી શક્તિ, ઓજ આપનારી શક્તિ. ઓજનું મૂળ સ્ત્રોત રામ છે. ઓજ વિના તૃપ્તિ નથી અને તૃપ્તિ વિના ઓજ નથી. રામરક્ષા સ્તોત્રમંત્રના પઠનથી જ આ બંને વસ્તુઓ મને મળી શકે છે.
૯. રામરક્ષા સ્તોત્રનું નિર્માણ - બુધકૌશિક ઋષિ
રામને મેળવવા હોય તો પહેલાં તૃપ્તિ – એટલે કે સીતા જરૂરી છે એમ બાપુ સ્પષ્ટ કરે છે. રામરક્ષા સ્તોત્ર એ તૃપ્તિ અને પુરુષાર્થ, બંનેને જગાડે છે. અને આ સ્તોત્ર બુધકૌશિક ઋષિએ અત્યંત તૃપ્ત અવસ્થામાં, બધા જીવોના કલ્યાણ માટે લખ્યું. બુધકૌશિક ઋષિ સંપૂર્ણ તૃપ્ત હતા અને આ તૃપ્તિને કારણે જ તેમને સંપૂર્ણ વિશ્વ માટે પુરુષાર્થ કરવાની ઈચ્છા થઈ અને રામરક્ષા આ સ્તોત્રમંત્ર ઉત્પન્ન થયુ. તેથી તેમાંથી મળતી તૃપ્તિ અને પુરુષાર્થ એ અતુલનીય છે.
Comments
Post a Comment