રામરક્ષા પ્રવચન 5 - જીવનની ગુરુકિલ્લી

રામરક્ષા પ્રવચન 5 - જીવનની ગુરુકિલ્લી

રામરક્ષા સ્તોત્ર મંત્ર શૃંખલાના પાંચમા પ્રવચનમાં, સદગુરુ અનિરુદ્ધ બાપુ 'શ્રીમદ્ હનુમાન કિલકમ્' શ્લોક વિશે વાત કરે છે. તેઓ સમજાવે છે કે જેમ આપણે તિજોરી કે કબાટ માટે તાળું અને તેની ચાવી (કિલ્લી) વાપરીએ છીએ, તેમ આપણા જીવનની ગુરુકિલ્લી (માસ્ટર કી) આપણા સદગુરુ સિવાય કોઈની પાસે હોતી નથી અને એની આપણને ખબર પણ હોતી નથી. આપણને સાચી ગુરુકિલ્લી જોઈએ છે.

બાપુ સ્પષ્ટ કરે છે કે આપણે દરેક ક્ષણે જે કાર્ય કરીએ છીએ તે એક 'ચાવી' છે, જે આપણને આપણા પ્રારબ્ધના ફળો તરફ લઈ જાય છે. ખોટા કાર્યોથી ખોટા તાળા ખુલે છે, પરંતુ જો ભૂલથી કોઈ ખોટું તાળું ખુલી જાય તો મારી પાસેની સારી ચાવી એટલે કે મેં કરેલા સારા કાર્યોથી સારા તાળા પણ ખોલી શકાય છે. આનો અર્થ એ છે કે મને જે કર્મસ્વાતંત્ર્ય મળ્યું છે તે એવી ચાવીઓ છે, જેની મદદથી હું મારા પ્રારબ્ધના દરવાજા ખોલી શકું છું. જોકે, કર્મ કરતી વખતે મારે 'ફળની આશા પર પૂર્ણવિરામ' (ફલાશેચા પૂર્ણ વિરામ) મૂકવો પડે છે. એટલે કે, મારે જોઈતા ફળની અપેક્ષા રાખ્યા વિના, પરમેશ્વર જે ફળ આપશે તે સ્વીકારવાની તૈયારી રાખીને જ કાર્ય કરવું જોઈએ.

'આનંદ મેળવવો' એ જ માણસનો સ્વધર્મ છે. પરંતુ આનંદના એક વિશિષ્ટ સ્વરૂપની અપેક્ષા રાખવી એ જ ફળાશા છે, જે આપણને દુઃખ આપી શકે છે. તેથી, આપણે પ્રયત્ન કરતા રહેવા જોઈએ, પરંતુ ફળ કેટલું, કેવી રીતે અને ક્યારે મળશે તે બધી યોજના પરમેશ્વર પર છોડી દેવી જોઈએ.


પ્રતિક્રિયા અને પ્રતિસાદ વચ્ચેનો તફાવત

સદગુરુ અનિરુદ્ધ કહે છે કે જીવનમાં બનતી ઘટનાઓ પર આપણે 'રિએક્ટ' ન કરતા એટલે કે પ્રતિક્રિયા ન આપતા 'રિસ્પોન્સ' એટલે કે પ્રતિસાદ આપવો જોઈએ. પ્રતિક્રિયા બેજવાબદાર હોય છે, જ્યારે પ્રતિસાદ જવાબદારીપૂર્વક કરેલું કાર્ય હોય છે. જીવનમાં આપણે કેવી રીતે વર્તવું, તે આપણા હાથમાં છે, અને કોઈપણ પ્રસંગે આપણે પ્રતિસાદ આપીએ છીએ કે પ્રતિક્રિયા આપીએ છીએ તેના પર આપણા જીવનની ઉચિત-અનુચિત દિશા નક્કી થાય છે.

બાપુ ઉદાહરણ આપે છે કે માતા-પિતા બાળકનું પરીક્ષામાં નાપાસ થવાનું સાંભળીને તરત જ ગુસ્સે થાય છે (Reaction), પરંતુ જવાબદાર (Responsible) માતા-પિતા પ્રેમથી, સકારાત્મક રીતે પ્રતિસાદ આપે છે. આપણે આપણી જવાબદારી કેવી રીતે નિભાવવી તે હનુમાનના ચરિત્રમાંથી શીખવું જોઈએ, કારણ કે હનુમાનની કથા આપણને શીખવે છે કે આચાર, ભક્તિ અને દાસત્વ કેવું હોવું જોઈએ.


મહાભારતમાં હનુમાન અને તેમની નામભક્તિ

જ્યાં રામ નામ લેવામાં આવે છે ત્યાં તેઓ હોય જ છે. તેઓ યુગોયુગોથી રામ નામ લઈ રહ્યાં છે. હનુમાન એક આદર્શ ભક્ત અને દાસોત્તમ છે. આપણા સૌ માટે તેમની શ્રવણભક્તિ, નામસંકીર્તન અને સેવાવૃત્તિ એક આદર્શ છે. આ હનુમાન કોઈપણ મંદિરમાં આનંદથી રહે છે, ગામના પ્રવેશદ્વાર પર કે ઝાડના ઓટલે પણ તેમનું મંદિર હોય છે.

મહાભારતના યુદ્ધમાં, કૃષ્ણના કહેવાથી હનુમાન અર્જુનના ધ્વજ પર બિરાજે છે. ત્યારે હનુમાન ફક્ત તેમના રામને ફરીથી યુદ્ધ કરતા જોવા અને તેમની વાણી સાંભળવા ઈચ્છે છે. હનુમાન કૃષ્ણમાં જ રામનુંરૂપ જુએ છે. કૃષ્ણ પણ હનુમાનને પોતાના દર્શન સતત મળતા રહે તે માટે રથ પરનું પોતાના પરનું છત્ર પણ ઉતારી લે છે. હનુમાન તે સમયે 'કૃષ્ણનામ' લઈ રહ્યાં હોય છે, પરંતુ અર્જુનને 'રામનામ' સંભળાય છે, અને જ્યારે હનુમાન રામનામ લે છે ત્યારે અર્જુનને 'કૃષ્ણનામ' સંભળાય છે. સદગુરુ અનિરુદ્ધ આ કથા દ્વારા કહે છે કે આપણે આ નામોના ભ્રમમાં પણ અટવાવું નથી, કારણ કે સાચું નામ લેવાની જવાબદારી (Responsibility) આ હનુમાનની છે અને તેઓ તે કરી રહ્યાં છે. તેથી, આપણે માત્ર હનુમાન જે નામનો ઉચ્ચાર કરે છે તે જ નામનો ઉચ્ચાર કરવો જોઈએ. તેઓ જે નામ યુગોયુગોથી લઈ રહ્યાં છે તેમાં આપણે આપણો નાનકડો ફાળો નોંધાવાનો છે. કારણ કે તેમના જેવી નામસંકીર્તનની ભક્તિ કોઈની નથી.


દાસોત્તમ હનુમાનની નવવિધા ભક્તિનો આદર્શ

સદગુરુ અનિરુદ્ધ કહે છે કે નવવિધા ભક્તિના દરેક પ્રકારમાં હનુમાન સર્વોત્તમ છે. રામ સામે હંમેશા તેમના હાથ જોડેલા હોય છે (વંદન ભક્તિ), હનુમાન સતત રામ નામ લેતા રહે છે (નામસ્મરણ), હનુમાન રામના ચરણો પાસે બેસેલા હોય છે (અર્ચન ભક્તિ), રામ માટે સર્વસ્વ અર્પણ કરનારા તે સેવક છે (દાસ્ય ભક્તિ). રામ, લક્ષ્મણ નાગપાશમાં ફસાયેલા હોય કે લક્ષ્મણ મૂર્છિત થાય, દોડીને સંજીવની લાવનાર હનુમાન જ છે. આપણે શ્રી હનુમાન ચાલીસામાં પણ સાંભળીએ છીએ કે રામ હનુમાનને કહે છે - 'તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ.' આ સખ્યત્વ પણ (સખ્ય ભક્તિ) હનુમાન પાસે છે. રામનું વચન અને રામનું કાર્ય એ જ હનુમાનનું જીવન છે (આત્મસમર્પણ). હનુમાનનો પ્રેમ, સમર્પણ સર્વોચ્ચ છે, એટલા માટે જ નવવિધા ભક્તિના દરેક પ્રકારમાં તેઓ સર્વોત્તમ છે.

હનુમાન આપણને 'પ્રતિસાદ એટલે કે રિસ્પોન્સ આપવાની કલા' અને 'નવવિધા ભક્તિના નવ પગથિયાં' શીખવે છે. કોઈપણ વસ્તુમાં (ઉદા. ગાયન, શિક્ષણ, સાધના) સફળ થવા માટે નવવિધા ભક્તિના નવ પગથિયાં મહત્વના છે અને તે છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, અર્ચન, પાદસંવાહન, દાસ્ય, સખ્ય, આત્મસમર્પણ.


હનુમાન - રામરક્ષાના 'કિલક'

બાપુ આગળ કહે છે કે હનુમાન જ રામરક્ષાના 'કિલક' છે. તો, હનુમાન દ્વારા થતું પાદસંવાહન, હનુમાને અમને શીખવેલું પાદસંવાહન એ જ જીવનની 'ગુરુકિલ્લી' છે.

રામ એટલે પુરુષાર્થ અને સીતા એટલે આ પુરુષાર્થથી પ્રાપ્ત થતી તૃપ્તિ. પુરુષાર્થથી તૃપ્તિ કેવી રીતે વધારવી અને તૃપ્તિથી પુરુષાર્થ કેવી રીતે વધારવો તેનું રહસ્ય એટલે રામરક્ષા. હનુમાન આ રામરક્ષાના કિલક કેમ છે, તેઓ આ રામરક્ષાની ચાવી કેવી રીતે છે તે સદગુરુ બાપુ આગળ હનુમાનની કથા પરથી સ્પષ્ટ કરે છે.

હનુમાન, તેમની દરેક કથામાં, જન્મથી જ અમને ચાવી આપતા રહે છે કે પુરુષાર્થ અને તૃપ્તિ એટલે કે રામ અને સીતાનો સંબંધ હું મારા જીવનમાં કેવી રીતે લાવીશ? 'શ્રીમદ્ હનુમાન કિલકમ્' જ્યારે હું ભક્તિભાવથી કહું છું ત્યારે હનુમાન પોતે જ કામે લાગે છે. તેઓ મારા મનમાં આ વૃત્તિ ઉત્પન્ન કરે છે કે રામ જ સૌથી સુંદર ફળ છે. આ ભાવનાઓ આપોઆપ ઉત્પન્ન કરવાનું કામ હનુમાન કરે છે. મને રામનામની, કૃષ્ણનામની, ગુરુનામની લગન લગાવવાની બધી તૈયારી હનુમાન કરે છે એટલે તેમને કિલક કહેવામાં આવે છે. અમારા મનમાં જે અનેક બંધ કબાટ છે તે ખોલવા માટે ખુદ હનુમાન જ ચાવીઓ લઈને બેઠેલા હોય છે.

લંકાદહનની કથામાંથી હનુમાન અમને શીખવે છે કે 'રિએક્ટ' ન કરતા 'રિસ્પોન્સ' કેવી રીતે આપવો? જવાબદારીથી કેવી રીતે વર્તવું? સીતામાઈએ હનુમાનને આપેલી માળાની કથામાંથી પણ બાપુ અમને કહે છે કે આપણે શું માગતા શીખવું જોઈએ.

સદગુરુ અનિરુદ્ધ કહે છે કે હનુમાન અને શ્રીરામના પ્રથમ મિલનની કથામાંથી પણ પોતાની રિસ્પોન્સિબિલિટી, ઉત્તરદાયિત્વ, જવાબદારી કેવી રીતે સંભાળવી તે અમને હનુમાન જ વારંવાર શીખવતા રહે છે. આ પ્રવચનના અંતે બાપુ કહે છે કે, 'રામરક્ષા અમને પુરુષાર્થ પણ આપે છે અને તૃપ્તિ પણ આપે છે. એટલે શું આપે છે? તો અમારી જે સાચી જવાબદારી છે, તે પૂરી કરવાની ક્ષમતા અમને રામરક્ષામાંથી પ્રાપ્ત થાય છે અને તેના કિલક કોણ છે? તો હનુમાન છે. કારણ કે તેઓ એકમાત્ર એવા છે જે પોતાની જવાબદારી બરાબર જાણે છે.

Comments