Friday, August 15, 2025

રામરક્ષા પ્રવચન – ૨ | શ્રીસીતારામચંદ્રો દેવતા: મહાવિષ્ણુની સાથે લક્ષ્મીજીની ઉપાસના જરૂરી


રામરક્ષા પ્રવચન – ૨ | શ્રીસીતારામચંદ્રો દેવતા: મહાવિષ્ણુની સાથે લક્ષ્મીજીની ઉપાસના જરૂરી

સદગુરુ અનિરુદ્ધ બાપુએ તેમના ‘રામરક્ષા પ્રવચન – ૨  શ્રીસીતારામચંદ્રો દેવતા: મહાવિષ્ણુની સાથે લક્ષ્મીજીની ઉપાસના જરૂરી’ આ પ્રવચનમાં રામરક્ષા સ્તોત્રનું મહત્ત્વ અને તેના ગૂઢ રહસ્યોને સરળ શબ્દોમાં  ઉકેલ્યા છે.

મંત્રદેવતા :  મંત્રની દિવ્ય શક્તિ

સદગુરુ અનિરુદ્ધ બાપુ જણાવે છે કે, ‘દેવ’, ‘દેવી’, ‘દેવતા’ આ શબ્દોનો સંબંધ સંસ્કૃતના ‘દિવ્ય’ ધાતુ સાથે છે. પરમેશ્વરનું સ્વરૂપ તેના મંત્રથી અલગ હોતું નથી. નામી અને નામ એક જ હોય છે, અર્થાત્ પરમેશ્વર અને તેનું નામ એક જ છે.

જ્યારે કોઈ મંત્ર કોઈ અધિકારી વ્યક્તિ (સિદ્ધપુરુષ) દ્વારા સિદ્ધ કરવામાં આવે છે, ત્યારે તે મંત્રના ઉચ્ચારણથી, ભક્તોની ભક્તિથી અને સ્પંદનોમાંથી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય છે. આ શક્તિ એટલે મંત્રદેવતા. આ મંત્રદેવતા તે મંત્રનુ ઉચ્ચારણ કરનાર દરેકને પોતાના સ્પંદનો અવિરતપણે આપતા રહે છે. દરેક મંત્રના પોતાના એક અલગ મંત્રદેવતા હોય છે. સામુહિક ઉપાસનામાં, એટલે કે જ્યારે અનેક લોકો એકસાથે મળીને મંત્રનું ઉચ્ચારણ કરે છે, ત્યારે હજારો ગણા સ્પંદનો ઉત્પન્ન થાય છે. તેનાથી આ મંત્રદેવતા વધારે ને વધારે શક્તિશાળી બને છે.

સૌથી મહત્ત્વનું એટલે, જે કોઈ આ મંત્રનો ઉચ્ચાર એકવાર પણ મનથી કરે છે અને તેનું મન તે મંત્રના દેવતાના સગુણ રૂપના ચરણો સાથે એકરૂપ થાય છે, તે ક્ષણે આ મંત્રદેવતા તેને ભરપૂર લાભ આપે છે. આ મંત્રદેવતા જે દેવતાનો મંત્ર છે, તેનાથી આપણને જોડવાનું કામ કરે છે.


નામસ્મરણ અને મંત્રદેવતા

આ વિશ્વના સ્પંદનોમાંથી જે રીતે એક મંત્રદેવતા તૈયાર થાય છે, તેવી જ રીતે દરેક વ્યક્તિના પ્રારબ્ધ મુજબ અને તેના શરીર મુજબ આ મંત્રશક્તિના એક દેવતા તૈયાર થાય છે. બાપુએ વીજળીનું ઉદાહરણ આપીને આને વધુ સ્પષ્ટ કર્યું છે. જેવી રીતે વીજળી સ્ટેશનના મથકમાં તૈયાર થયેલી વીજળી એવા ને એવા જ સ્વરુપમાં આપણા ઘરમાં લાવી શકાતી નથી. તેની ક્ષમતા ધીમે ધીમે ઓછી કરીને, ઘરની જરૂરિયાત મુજબ અને ઘરને ઝેલી શકાય તેવી સ્થિતીમાં વીજળી ઘરમાં આવે છે. આ માટે તે વીજળી વિવિધ સબસ્ટેશનોમાંથી પસાર થાય છે. તેવી જ રીતે, આપણા શરીરમાં રહેલા આ મંત્રશક્તિના દેવતા એટલે જાણે કે તે વિશ્વના મંત્રદેવતાનું 'સબસ્ટેશન' છે. આપણા શરીરની અંદર રહેલા મંત્રદેવતા વિશ્વના મંત્રદેવતા સાથે એકરૂપ હોય છે.

જો આપણા મંત્રના ઉચ્ચારણમાં વિક્ષેપ પડે, તો આપણા શરીરમાં મંત્રદેવતાની વૃદ્ધિ ધીમી થાય છે. આ શરીરની અંદર તૈયાર થયેલી મંત્રદેવતાની વૃદ્ધિ સરળતાથી થવા માટે આપણે તેને 'આહાર' આપવો પડે છે અને તે આહાર એટલે નામસ્મરણ. જે પ્રમાણમાં આપણે આપણી ભક્તિથી નામસ્મરણ કરતાં રહીએ છીએ, તે જ પ્રમાણમાં આપણા શરીરની અંદર તૈયાર થયેલા મંત્રદેવતાનો આકાર એટલે કે તેની શક્તિ વધે છે. આ શક્તિને કારણે આપણને વિશ્વશક્તિ પાસેથી વધુ સ્પંદનો મળે છે. આ વિશ્વમાંથી ઉત્પન્ન થયેલી મંત્રશક્તિ જ પરમેશ્વર અને આપણામાં રહેલો સંબંધ છે. અર્થાત્, પરમેશ્વરની શક્તિ આ વિશ્વના મંત્રદેવતામાંથી આપણા શરીરમાં, આપણા શરીરની અંદર રહેલા મંત્રદેવતા સુધી આવતી હોય છે.

નામજપનું મહત્ત્વ અને પરમેશ્વરની અકારણ કરુણા

બાપુ પરમેશ્વરની અકારણ કરુણાની મહત્તા વર્ણવતાં જણાવે છે કે આ વિશ્વમાં જેટલા લોકો મંત્રનો મનથી ઉચ્ચાર કરે છે તેનાથી જેટલા સ્પંદનો તૈયાર થાય છે, તેટલા સ્પંદનો આ ॐકાર, આ પરમેશ્વર તે મંત્રમય શક્તિમાં નાખતા રહે છે. તેથી જ સંતો લાગણીપૂર્વક જણાવે છે, “નામજપયજ્ઞ તો પરમ, બાધુ ન શકે સ્નાનાદિ કર્મ, નામે પાવન ધર્મ-અધર્મ, નામે પરબ્રહ્મ વેદાર્થે”. આનો અર્થ એવો છે કે, “બાળકો, સ્નાનાદિ કર્મમાં અટકી ન જાવ, ફક્ત નામ લો, તમારા બધા દોષ માફ થઈ જશે.”

શ્રદ્ધા અને અનુભવો પર વિશ્વાસ

આપણે દરેક વસ્તુના પુરાવા શોધતા હોઈએ છીએ. બાપુ જણાવે છે કે, પુરાવા બહારથી ક્યાંય મળતા નથી, પરંતુ તે આપણને આપણા જ જીવનમાં મળે છે. પણ તે બીજાના અનુભવોમાંથી આપણને શોધતા આવડવું જોઈએ.

એક સાદું ઉદાહરણ તેઓ આપે છે. આપણે ઘઉં, ચોખા ખાઈએ છીએ. જો દરેક માણસે જન્મ લીધા પછી એવો વિચાર કર્યો કે, ‘હું ઘઉં, ચોખા કેમ ખાઉં? મારા માતા-પિતા, દાદા-દાદી ખાતા હતા એટલે?’ અને ‘હું વૈજ્ઞાનિક તપાસ કરીને આ શરીર માટે સારું છે તે સિદ્ધ થાય તો જ ખાઈશ’ એવું નક્કી કર્યું તો? આપણા દાદા-દાદીએ, વડીલોએ ઘઉં-ચોખા ખાધા છે અને તેમાં કોઈ ખતરો નથી, તેથી આપણે તે ખાઈએ છીએ.

તો ખાવાની બાબતમાં આ વિશ્વાસ હોય છે પણ ભક્તિની વાત આવે કે તે જ વિશ્વાસ ડગમગી જાય છે. ‘મારા માતા-પિતા ભક્તિ કરતાં હતા, દાદા-દાદી ભક્તિ કરતાં હતા. આપણે શા માટે ભક્તિ કરીએ? ભગવાને તેમનું ભલું કર્યું હશે, પણ અમારું કઈ રીતે કરશે?’ એવો પ્રશ્ન આપણને થાય છે. બાપુ પૂછે છે, “અરે, જે ચોખા-ઘઉંથી દાદા-દાદીનું પેટ ભરાયુ, તે જ ચોખા-ઘઉંથી તમારું પેટ ભરાય છે. તો જે ભગવાને દાદા-દાદીનું, વડીલોનું ભલું કર્યું, તે ભગવાન તમારું ભલું કેમ નહીં કરે?”

ચોખા-ઘઉં ખાવાથી પેટ ભરાય છે, જે આપણને તરત ઓડકાર આવે એટલે ખબર પડે છે. અહીં ભગવાનની કૃપા માટે માત્ર આપણે થોડી રાહ જોવી પડી શકે છે, અને એ રાહ જોવાની આપણી તૈયારી હોતી નથી. રાહ જોવી એટલે ધીરજ રાખવી. આ ધૈર્ય આપવાનું મહત્ત્વનું કામ આ મંત્રદેવતા કરતા હોય છે. શ્રદ્ધા આપવાનું કામ પરમેશ્વર કરશે, પણ ધૈર્ય આપવાનું કામ પરમેશ્વરના જ મંત્રમાંથી, પ્રેરણામાંથી ઉત્પન્ન થયેલા તેના જે મંત્રદેવતા છે તે કરે છે. શ્રદ્ધા અને ધૈર્ય આ બે જરૂરી વસ્તુઓ આપણને એમાંથી મળે છે. ધૈર્ય આવ્યું કે શ્રદ્ધા વધે છે અને શ્રદ્ધા આવી કે ધૈર્ય વધે છે. આ બંને બાબતો એકબીજાને પૂરક છે.

સીતા :  રામરક્ષા સ્તોત્રની મંત્રદેવતા

સદગુરુ અનિરુદ્ધ બાપુ આગળ જણાવે છે, રામરક્ષામાં બુધકૌશિક ઋષિ અત્યંત સુંદર રીતે જણાવે છે, "શ્રી સીતારામચંદ્રો દેવતા". આનો અર્થ, આ મંત્રના અધિષ્ઠાતા દેવતા રામચંદ્ર છે અને આ મંત્રની શક્તિ સીતા છે. ભૂમિકન્યા સીતા એ જ મંત્રદેવતા છે. મંત્રશક્તિ પૃથ્વીના પુત્રોથી, એટલે કે આપણે માનવોએ ઉચ્ચારણ કરેલા મંત્રોથી ઉત્પન્ન થાય છે.

માનવને ચાર વાણીઓ છે: વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. પરાવાણી આપણા નાભીસ્થાન પર, નાભી પાસે, એટલે કે પેટમાં રહે છે. પૃથ્વીના પુત્રોના પેટમાંથી આ વાણી નીકળે છે અને પરાવાણીમાંથી જ બીજી વાણીઓનો વિકાસ થાય છે. અર્થાત્, આપણે જે મંત્રમય શક્તિ કહીએ છીએ, તે મંત્રમય શક્તિમાંથી જેનો જન્મ થયો, તે ભૂમિકન્યા સીતા છે.

'સીતા' આ શબ્દના અનેક અર્થ છે. 'સીતા' એટલે હળના ફાળાથી જમીનમાં પડતી ચીર અથવા ફાટ. બીજો અર્થ છે - ખાંડ, એટલે કે મીઠાશ. સીતા એટલે શીતળતા નહીં, પરંતુ શાંતિ. શાંત-સ્નિગ્ધ એટલે સીતા. આ શાંતિ આપણને નામસ્મરણમાંથી પ્રાપ્ત થાય છે, આપણા મંત્રસ્મરણમાંથી પ્રાપ્ત થાય છે.

બુધકૌશિક ઋષિ એક વાક્યમાં ખૂબ સરસ જણાવે છે કે, “શ્રી સીતારામચંદ્રો દેવતા”. સીતા એ જ શ્રી છે, લક્ષ્મી છે. શ્રી સીતા મંત્રદેવતા અને રામચંદ્ર અધિષ્ઠાતા દેવતા છે.

રામચંદ્ર :  સીતાસહિત એટલે ભક્તિસહિત રહેલા રામ

રામ સૂર્યકુળના છે. કૃષ્ણ ચંદ્રકુળના છે. રામ સૂર્યકુળના હોવાને કારણે તેમનું નામ 'રામભાનુ' હોવું જોઈતું હતું. તો પછી 'રામચંદ્ર' આ નામ કેવી રીતે આવ્યું?

બાપુ જણાવે છે, 'ચંદ્ર' એટલે શીતળતા, સ્નિગ્ધતા, શાંતિ. જે ક્ષણે રામનો સીતા સાથે સ્વયંવર થયો, તે જ ક્ષણે રામ રામચંદ્ર થયા. સીતા વિનાના રામ ખૂબ જ ઉગ્ર છે, એટલે કે ‘અપ્રાપ્ય’ (Unapproachable) છે. સીતાસહિત રામ એ આપણા નજીકના છે. આ સૌથી મહત્ત્વનું રહસ્ય છે.

સીતા એટલે ભક્તિ. જે ક્ષણે આપણે રામની ભક્તિ કરવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે આપણને કઠોર લાગનારા, ઉગ્ર લાગનારા અને મહત્ત્વનું એટલે દૂર લાગનારા રામ આપણને સીતાને કારણે નજીકના લાગવા લાગે છે. આ ભક્તિરૂપી સીતા એ ॐકારના સ્પંદનશક્તિના રૂપમાં અસ્તિત્વમાં છે જ. પણ તે ભક્તિ આપણે આપણા માટે, આપણામાં ઉત્પન્ન કરીએ છીએ. તેથી પહેલું માન કોનું? સીતાનું, પછી રામનું. તેથી જ આપણે 'સીતારામ' કહીએ છીએ, 'રાધેશ્યામ' કહીએ છીએ, 'લક્ષ્મીનારાયણ' કહીએ છીએ.

સ્તોત્રમંત્ર :  જાગૃતિનો માર્ગ અને જ્ઞાનનો ખજાનો

સદગુરુ અનિરુદ્ધ બાપુ આગળ જણાવે છે કે, બુધકૌશિક ઋષિ 'અસ્ય શ્રીરામરક્ષા સ્તોત્ર મંત્રસ્ય' એમ કહે છે. અહીં 'સ્તોત્રસ્ય' અથવા 'મંત્રસ્ય' એમ અલગ અલગ ન કહેતા 'સ્તોત્ર મંત્રસ્ય' એમ કહ્યું છે, તેમાં એક મોટું રહસ્ય છુપાયેલું છે. સ્તોત્ર અને મંત્રનો સંબંધ બુધ અને કૌશિક આ બે નામો સાથે છે. સ્તોત્ર આપણને જાગૃત કરે છે, પ્રબુદ્ધ કરે છે અને મંત્ર આ આપણો ખજાનો છે, આપણી સંપત્તિ છે.

પણ આપણને આ ખજાનો છે એ ખબર જ ન હોય, તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ ખરા? નહીં. તો આપણને જાગૃત કરવાનું કામ કોણ કરે છે? તો તે સ્તોત્ર કરે છે. તેથી જ આ સ્તોત્રમંત્ર છે. આપણે રામરક્ષા કેમ કહીએ છીએ? રામ મારું રક્ષણ કરે તેથી. આ રામનું સ્તોત્ર છે, પ્રાર્થના છે, રામની સ્તુતિ છે. પણ તેમાં સાચો મંત્ર એટલે ખજાનો છુપાયેલો છે.

જ્યારે બાળકને કડવી દવા આપવાની હોય ત્યારે આપણે તેને મધની આંગળી બતાવીએ છીએ અને મધમાંથી તે કડવી દવા આપીએ છીએ. તેવી જ રીતે, આ સ્તોત્રમાં આ મંત્ર આપેલો છે. માત્ર મંત્ર કહેવો આપણને નીરસ લાગે છે, મન લાગતું નથી. પણ આ રામરક્ષામાંના દરેક અક્ષર મંત્રમય છે. આપણે તેની કથા પહેલા સાંભળી છે. આ સ્તોત્રમંત્ર, આ પ્રાર્થના આપણને અજ્ઞાનની નિદ્રામાંથી જાગૃત કરે છે. રામરક્ષા આપણને પ્રબુદ્ધ કરનારી છે, પોતાની તરફ આકર્ષિત કરનારી છે.

સદગુરુ અનિરુદ્ધ બાપુ જણાવે છે, "મંત્ર એટલે ’મનનાત્ ત્રાયતે ઇતિ મંત્રઃ’ – એટલે જેનું મનન કરવાથી જે મારું રક્ષણ કરે છે, તે મંત્ર. મંત્ર એ ખજાનો છે, જે આપણને જરૂરી તે આપે છે. પણ જે જરૂરી છે તે આપણે મેળવવું પડે છે અને તે મેળવવા માટે આપણે તે પહેલાં ખબર હોવું જરૂરી છે. તે ખબર કરાવવું, આપણને જાગૃત કરવું, આપણી પરના અજ્ઞાનના પરદો દૂર કરવાનું કામ આ સ્તોત્ર કરે છે. તેથી તેને મંત્રનું સ્વરૂપ નથી પણ સ્તોત્રનું છે, પણ તેનો આત્મા માત્ર મંત્રનો છે.

ત્રણ અક્ષય જોડીઓ :  જીવનમાં સમૃદ્ધિનો માર્ગ

જ્યારે આપણે ભક્તિથી સ્તોત્ર કહેવાની શરૂઆત કરીએ છીએ, આપણી જરૂરિયાત માટે સ્તોત્ર કહેવાની શરૂઆત કરીએ છીએ, પણ તે ભાવિકપણે કહીએ છીએ, ત્યારે આપણને જાગૃત કરવાનું કામ સીતા કરે છે. આ આપણને શાંતિ આપે છે, આ આપણને ધૈર્ય આપે છે અને જે ક્ષણે સીતા સ્થાપિત થાય છે, તે ક્ષણે રામ આપણને ખજાનો આપવાની શરૂઆત કરે છે.

આ પરથી એ સ્પષ્ટ થાય છે કે, ત્રણેય જોડીઓ કઈ રીતે લગાવાઈ છે: બુધ-કૌશિક, સ્તોત્ર-મંત્ર, સીતા-રામચંદ્રૌ દેવતા.

આ પ્રવચનમાં સદગુરુ અનિરુદ્ધ બાપુ લક્ષ્મીમાતા અને વિષ્ણુ ભગવાન અને વારકરી સંપ્રદાયના સંત સાવતામાળીની પણ કથા જણાવે છે.

બાપુ તેમના રામરક્ષા પ્રવચન માળાના બીજા પ્રવચનના અંતમાં જણાવે છે, "સ્તોત્ર અને મંત્ર, બુધ અને કૌશિક તથા સીતા અને રામ આ ત્રણ અક્ષય જોડીઓની આપણે ધારણ કરવી જોઈએ, પછી આપણા જીવનમાં કોઈ જ ઊણપ રહેશે નહીં; આપણા જીવનમાંથી લૌકિક અને પારમાર્થિક સંપત્તિનો ઝરો ક્યારેય સુકાશે નહીં."


No comments:

Post a Comment

AD (728x60)